ગઈકાલે એટલે કે 22 એપ્રિલના રોજ આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં રાજસ્થાને મુંબઈને આઠ બોલ બાકી રહેતા 9 વિકેટે માત આપી આ સીઝનની છઠ્ઠી જીત મેળવી લીધી છે. આ સાથે જ રાજસ્થાનની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.
સમગ્ર મેચની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમે શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ તિલક વર્મા અને નેહલ વઢેરાની પાર્ટનરશીપના કારણે મુંબઈની 20 ઓવરમાં 179 રન સુધી પહોંચી શકી હતી.
મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાનને જીત માટે 180નો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યની પીછો કરતા સમયે રાજસ્થાને જબરદસ્ત શરૂઆત કરી હતી. છ ઓવરમાં 61 રન બનાવી નાખ્યા હતા અને ત્યારબાદ યશસ્વી જયસ્વાલ આ મેચમાં પોતાના આઈપીએલ કરિયરની બીજી સદી ફટકારીને રાજસ્થાનને આ મેચ 8 બોલ બાકી રહેતા 9 વિકેટે જીતાડી હતી.
મુંબઇ ઇન્ડિયન્સે મેચ હાર્યા બાદ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે ટીમની બેટિંગ અને બોલિંગને હારનું કારણ ગણાવ્યું હતું. તેણે કહ્યું કે અમારા ઓપનિંગ બેટ્સમેનો સારી શરૂઆત આપવામાં અસફળ રહ્યા હતા. જેના કારણે ટીમના અન્ય ખેલાડીઓ પર દબાણ જોવા મળ્યું હતું. આ વાત કરીને તેણે રોહિત શર્મા અને ઈશાન કિશન પર નિશાન સાધ્યું હતું.
તમને જણાવી દઈએ કે આ મેચમાં રોહિત શર્મા 6 રન અને ઈશાન કિશન ખાતુ ખોલ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. જે બાદ અન્ય ખેલાડીઓ પર દબાણ વધ્યું હતું. જેના કારણે મેચના અંતે હાર્દિક પંડ્યા આ બંને ખેલાડીઓ પર ગુસ્સે જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે 10 બોલમાં 10 રન બનાવ્યા હતા. આ સિવાય તે બોલિંગમાં પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો.
Leave a Reply